બોટાદ જિલ્લો એ ગુજરાતનો એક જિલ્લો છે. બોટાદ તેનું મુખ્યમથક છે. બોટાદ જિલ્લાની રચનાની જાહેરાત ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ કરી હતી.બોટાદ જિલ્લાની રચના અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી બે-બે તાલુકા છૂટા પાડીને બનાવવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાના ગઢડા અને બોટાદ તાલુકા તથા અમદાવાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાઓને આ નવા બોટાદ જિલ્લામાં સ્થાન મળ્યું. બોટાદ જિલ્લો વહિવટી દૃષ્ટિએ ૨ પ્રાંત અને ૪ તાલુકામાં વહેંચાયેલો છે અને જિલ્લામાં ૩ નગરપાલિકાઓ આવેલી છે.
બોટાદ જિલ્લો ગઢડા સ્વામિનારાયણ મંદિર, સાળંગપુરના હનુમાન મંદિર, હિરા ઉદ્યોગ વગેરે માટે પ્રખ્યાત છે.
ભાવનગર અને અમદાવાદ જિલ્લામાંથી તાજેતરમાં નવરચિત બોટાદ જિલ્લો ગુજરાત રાજયના સૌરાષ્ટ્રમાં આવેલ છે.આ જિલ્લાનું વહીવટી મથક બોટાદ શહેર છે, જે ભાવનગરથી અંદાજિત ૯૨ કી.મી. તથા અમદાવાદથી ૧૭૦ કી.મી. ના અંતરે આવેલ છે.
ભૌગોલિક દ્રષ્ટીએ બોટાદ જિલ્લો ઉત્તર-પૂર્વમાં સુરેન્દ્રનગર જિલ્લા ,પશ્ચિમે રાજકોટ જિલ્લા,ભાવનગર અને અમરેલી જિલ્લા દક્ષિણે તથા અમદાવાદ જિલ્લાથી ઘેરાયેલો છે.
સુખભાદર નદી બોટાદ જિલ્લાની ઉત્તરી સરહદે રાણપુર તાલુકામાં વહે છે.કાળુભાર નદી બોટાદ જિલ્લાની દક્ષિણ છેડે ગઢડા તાલુકામાં વહે છે.જિલ્લો ૭૧પૂર્વ અક્ષાંક્ષવૃત અને ૨૨ ઉત્તરીય અક્ષાંક્ષવૃત અને ૪૨ પુર્વ રેખાંશવૃત થી ૧૦ ઉત્તરીય રેખાંશવૃત વચ્ચે આવેલ છે.
વસ્તી ગણતરી-૨૦૧૧ મુજબ આ જિલ્લાની વસ્તી કુલ ૬.૫૨ લાખ છે.જિલ્લો ૨ પ્રાંત અને ૪ તાલુકામાં વહેંચાયેલો છે અને જિલ્લામાં ૩ નગરપાલિકાઓ આવેલ છે.